ભાવનગર શહેરના હાર્દ સમાન કલેક્ટર કચેરી વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર કલેક્ટર કચેરીના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં પડેલા કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


ટાયરો સળગતા આગ બની ભયાનક

મેદાનમાં કચરાની સાથે જૂના વાહનોના ટાયરો પણ પડેલા હતા. કચરામાં લાગેલી આગ આ ટાયરો સુધી પહોંચતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ટાયર સળગવાને કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સરકારી કચેરીની તદ્દન નજીક આગ હોવાથી તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.

કોઈ જાનહાનિ નહીં

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કોઈએ સળગતી બીડી-સિગારેટ ફેંકી હોવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Bhavnagar News: પ્લોટ ધારકોએ પ્રોપર્ટી જપ્ત થવાના ડરથી 24 લાખ વેરો ભર્યો, મનપાએ પાંચ ખુલ્લા પ્લોટની હરાજી રોકી


  • Follow us on: