ભાવનગરના ઘોઘા રોડ પોલીસ મથક હેઠળ આવતા અકવાડા વિસ્તારમાં થયેલી મારામારી અને લૂંટની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડીને આજે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેના પગલે સ્થાનિક લોકોમાં ચર્ચાઓ જાગી હતી. ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ અકવાડા વિસ્તારમાં મુન્ના બારૈયા નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
આરોપી વિશ્વદીપસિંહ નામના શખ્સે મુન્ના બારૈયાને "તું મારી સામે કેમ જોવે છે?" તેમ કહી બોલાચાલી કરી હતી. આ મામલો ઉગ્ર બનતા વિશ્વદીપસિંહે મુન્નાને બેરહેમીથી માર માર્યો હતો અને તેની પાસેથી નાણાં પણ પડાવી લીધા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે ઘોઘા રોડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી વિશ્વદીપસિંહને દબોચી લીધો હતો. આજે પોલીસ કાફલો આરોપીને સાથે રાખીને અકવાડા સ્થિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો.













