ભાવનગર જિલ્લાના બગદાણામાં તાજેતરમાં બનેલી ચકચારી મારામારીની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગત 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલઘીયા નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં બગદાણા પોલીસે ઝડપાયેલા 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. નવનીત બાલઘીયા પર થયેલા આ હુમલાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.
ફરિયાદી નવનીત બાલઘીયા પર હુમલો કરાયો હતો
ભોગ બનનાર નવનીતે ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ હુમલો લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર દ્વારા કરાવવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ આક્ષેપોને પગલે પોલીસ સતર્ક બની છે. બગદાણા પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા સહિત રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડાની ધરપકડ કરી છે.













