ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલઘીયા પર થયેલા હુમલાના કેસમાં હવે સરકારી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહેલી ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી બાદ બગદાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી 'લિવ રિઝર્વ'માં મુકી દેવામાં આવ્યા છે. કોળી સમાજે આક્ષેપ કર્યો હતો કે પોલીસની તપાસમાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે, જેથી ન્યાયી તપાસ માટે પી.આઈ.ની બદલી અનિવાર્ય હતી.
બગદાણા પોલીસ બેડામાં ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરે થયેલા આ હુમલામાં 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં પીડિતે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. સમાજના દબાણ અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પી.આઈ. વિરુદ્ધ આ પગલું ભર્યું છે. હવે નવા તપાસ અધિકારીની નિમણૂક સાથે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કયા નવા ખુલાસા થાય છે અને જયરાજ આહીર સામે કોઈ નક્કર પુરાવા મળે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.













