ભુજના રામનગરી વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે મહિલા કોંગ્રેસના કાર્યકરોએ મેદાનમાં આવવું પડ્યું હતું. મહિલા કાર્યકરોએ એકસાથે ત્રણ અલગ-અલગ પોઈન્ટ પર જનતા રેડ પાડીને ત્યાંથી દેશી દારૂનો તૈયાર જથ્થો તેમજ દારૂ બનાવવા માટે વપરાતો આથો ઝડપી પાડ્યો હતો.


પોલીસ મોડી પહોંચી

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહી બાદ ભુજ બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલા કાર્યકરોએ જે દારૂનો જથ્થો પકડી રાખ્યો હતો, તે પોલીસે કબ્જે કર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે જે કામ પોલીસે કરવાનું હતું તે કામ મહિલાઓએ કરવું પડ્યું.

તંત્ર સામે રોષ

મહિલા કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની રહેમનજર હેઠળ જ આવા અડ્ડાઓ ધમધમી રહ્યા છે. રામનગરી જેવા રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવા છતાં પોલીસ કેમ અજાણ હતી? જનતા રેડ બાદ હવે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ કિસ્સાએ ભુજ પોલીસની સતર્કતા સામે મોટા સવાલો ખડા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: