ભુજ નજીકના કુકમા ગામ પાસે બોરવેલમાં પડી ગયેલા 18 વર્ષીય યુવકના મોત મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. લગભગ 9 કલાક સુધી ચાલેલા મેગા રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે હવે જાહેર કર્યું છે કે આ બનાવ અકસ્માત નહીં પણ આપઘાતનો હતો.
બોરવેલ કેસમાં મોટો વળાંક
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક ઝારખંડનો વતની હતો. તેણે પારિવારિક ઝઘડાથી કંટાળીને ઇરાદાપૂર્વક બોરવેલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે યુવકના પરિવારના નિવેદનો નોંધ્યા છે, જેમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આર્મી, ફાયર વિભાગ અને પોલીસ સહિતની ટીમોએ યુવકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, દુર્ભાગ્યે યુવકને બચાવી શકાયો ન હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને હવે આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.













