ભુજમાં વોર્ડ નં.7માં હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં કે જ્યાં આજુબાજુની પાંચ સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા કચરો ફેંકવામાં આવતો હતો.અહીં પાલિકા દ્વારા પાઈલોટ પ્રોજેક્ટનાં ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા જેને કારણે લોકોએ અહીં કચરો ફેંકવાનો બંધ કર્યો હતો.આ પાઈલોટ પ્રોજેક્ટને મળેલી સફળતા બાદ શહેરમાં વિવિધ સ્થળોએ 17 જેટલા નાઇટ વિઝન સાથેનાં સીસીટીવી કેમેરા મૂકીને ચાલુ પણ કરી દેવામાં આવ્યા છે.જેનું મોનિટરિંગ પાલિકા કચેરીમાંથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલિકા અન્ય વિસ્તારોને પણ આવરી લઇને વધુ 17 પાઇન્ટ ઉપર સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


કચરો ફેંકતા લોકોને આઇડેન્ટિફાઇ કરી દંડાત્મક કાર્યવાહી

પાલિકાનાં કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,પાલિકા દ્વારા વોર્ડ નં.7માં લોકો જાહેરમાં કચરો ફેંકતા બંધ થાય તેવા ઉદેશ્ય સાથે નાઇટ વિઝનનાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા, જેમાં મળેલી સફળતા બાદ સરકારનાં એસબીએમ શાખા દ્વારા સીસીટીવી માટે ગ્રાન્ટ ફાળવામાં આવતાં પાલિકા દ્વારા જ્યાં જ્યાં પણ ગંદકી થતી હતી તેવા મુખ્ય પોઇન્ટ શોધીને ત્યાં સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે.હાલે શહેરમાં કુલ આવા 17 પોઇન્ટ ઉપર નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા દ્વારા જોહેરમાં કચરો ફેંકતા લોકોને આઇડેન્ટિફાઇ કરીને તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ માટે પાલિકા કચેરીમાં જ કંટ્રોલરૂમ ઊભો કરી દેવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા આઇડેન્ટિફાઇ કરાયેલા વિવિધ 14 પોઇન્ટ

ભુજ પાલિકા દ્વારા હાલે 17 સ્થળો ઉપર જાહેરમાં કચરો ફેંકતા લોકો ઉપર સીસીટીવી કેમેરાની નજર ગોઠવી દેવામાં આવી છે, તેમાં મળેલી સફળતાને ધ્યાને લઇને વધુ 14 જેટલા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો તેમાં જ્યુબિલી સર્કલ, હમીરસર તળાવનાં કિનારે, વાણિયાવાડમાં પીઠાવાળી સ્કૂલ શેરી, બદામી છેલ્લા પાસે પમ્પિંગ સ્ટેશન ડેવોટર એરિયા,કબીર બાગ, માંડલિયા શેરી, મંગલમ્ ચાર રસ્તા પાસે, શાંતિ નિકેતન રોડ, ક્રિષ્ના રેસિડેન્સી-રેલવે સ્ટેશન રિંગ રોડ, રાજેન્દ્ર પ્રસાદ માર્ગ, સંજોગ નગર ચોકડી,લેકવ્યૂ રોડ,ડીઆઇએલઆર ઓફિસ પાછળ,ઉમેદ નગર રોડ,રેલવે કોલોની પાસે નાગોર રોડનો સમાવેશ થાય છે.

હાલે પાલિકા કચેરીએથી 17 સ્થળો પર કરાતું મોનિટરિંગ

ભુજ પાલિકા દ્વારા હાલે શહેરનાં વિવિધ 17 જેટલા સ્થળોએ સીસીટીવી કેમેરાની બાજ નજર મૂકવામાં આવી છે, જેમાં મુખ્યત્વે ન્યૂ લોટસ કોલોની પાસે, મિરઝાપર બાયપાસ રિંગ રોડ, ભુજિયો રિંગ રોડ, સરપર ગેટ રોડ પરનાં નગરપાલિકા ક્વાર્ટર પાસે, શાંતિ નગર, મોટા પીર ચોકડી, અમન નગર ચોકડી, ભારત નગર બ્રિજ, રહીમનગર પાસે,હાઉસિંગ બોર્ડ સોસાયટી, વ્યાયામ શાળા પાછળ, ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે, ઓપન એર થિયેટર પાસે, કેમ્પ એરિયા, મેન્ટલ હોસ્પિટલ પાસે તથા આરટીઓ રિલોકેશન સાઇટનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા હાલે આ પોઇન્ટ ઉપર જાહેરમાં કચરો ફેંકનાર લોકો ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચોઃ Tapi News: 44 લાખથી વધુની ચોરી કરનાર આરોપી એક વર્ષથી ફરાર હતો, પોલીસે ઉત્તરાખંડથી પકડી પાડ્યો






  • Follow us on: