ભુજની સરકારી સંચાલિત પ્રસિદ્ધ જી.કે. જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે
Gujarat| By Sandesh Team | Published: Jun 06, 2026 12:09 pm
ઉચાપતનો બનાવ
સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેથી સરકારી નાણાંની મસમોટી ઉચાપતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુજની સરકારી સંચાલિત પ્રસિદ્ધ જી.કે. જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલના જ જવાબદાર હેડ ક્લાર્કે સત્તાનો દુરુપયોગ કરીને બેંક ખાતામાંથી અંદાજે 1.76 કરોડની સરકારી રકમ બારોબાર સેરવી લીધી હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. આ મામલે ભુજ શહેરના બી-ડિવિઝન પોલીસ મથકે બે મુખ્ય સૂત્રધારો સામે વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓડિટમાં થયો મોટો ખુલાસો
મળતી વિગતો મુજબ, હોસ્પિટલના વાર્ષિક હિસાબોની ચકાસણી અને ઓડિટ પ્રક્રિયા દરમિયાન આ સમગ્ર કરોડોનું કૌભાંડ પકડાયું છે. ઓડિટ ટીમને નાણાકીય વ્યવહારોમાં મોટી ગેરરીતિઓ નજરે ચડતા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે હોસ્પિટલના હેડ ક્લાર્ક બલભદ્ર જાડેજા અને તેના સાથીદાર મિતેશ ચુડાસમાએ સોચી-સમજીને આ આખી ઉચાપતનું નેટવર્ક ગોઠવ્યું હતું.
બે ખોટા બેંક એકાઉન્ટ ખોલાવ્યા
આ આરોપીઓએ સત્તાવાર મંજૂરી વિના બે ખોટા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ સરકારી તિજોરીમાંથી આવતા હોસ્પિટલના નાણાં ઓરિજિનલ ખાતાને બદલે આ ખોટા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરીને લાખો-કરોડો રૂપિયા હજમ કરી ગયા હતા.
આરોપીઓ પર જનતાના સ્વાસ્થ્ય અને સુવિધા માટે ફાળવાયેલા સરકારી નાણાં પોતાના અંગત સ્વાર્થ માટે હડપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઓડિટ રિપોર્ટના આધારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તુરંત જ બી-ડિવિઝન પોલીસ મથકે બંને નામોલ્લેખિત શખ્સો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સરકારી દસ્તાવેજો સાથે ચેડાં કરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર કચ્છના આરોગ્ય વહીવટી આલમમાં અને સરકારી કચેરીઓમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને તપાસનો વ્યાપ વધાર્યો છે.