કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં ટ્રાફિક અને જાહેર માર્ગો પર થતી અડચણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા RTO સર્કલ અને ફાયર સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ કરીને ફાયર સ્ટેશનની બિલકુલ સામે આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
દુકાનની બહારના પતરાના શેડ તોડાયા
અનેક દુકાનદારોએ રસ્તા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને જે પતરાના શેડ બનાવ્યા હતા, તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફૂટપાથ પર પથરાયેલા ગેરકાયદે ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામોનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. RTO સર્કલ એ શહેરનો વ્યસ્ત વિસ્તાર હોવાથી ત્યાં દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી.













