બોટાદ જિલ્લામાં આજે યોજાયેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં સમર્પણ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ભારે રસાકસી અને કાંટે કી ટક્કર જોવા મળી હતી. વહેલી સવારથી જ બોટાદ કોર્ટ પરિસરમાં વકીલોના ટોળાં,અને ચર્ચાઓ અને ચૂંટણી માહોલ જોવા મળ્યો હતો. સિનિયર, જુનિયર તેમજ મહિલા વકીલોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો.
પરિવર્તન પેનલના ઉમેદવાર સામે કાંટાની ટક્કર
બંને પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે સતત ચર્ચા, સમર્થન અને વ્યૂહરચનાઓ ચાલી રહી હતી. સાંજનાં સુમારે મતગણતરી શરૂ થતાં કોર્ટ પરિસરમાં ભારે ઉત્સુકતા છવાઈ ગઈ હતી. મતગણતરી પૂર્ણ થતાં પરિણામો જાહેર થયા, જેમાં પરિવર્તન પેનલના ઉમેદવાર મનોજસિંહ એ.યાદવ (એડવોકેટ) પ્રમુખ પદે ૨૪ મતની લીડ સાથે ભવ્ય વિજય મેળવી બોટાદ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં અને સમર્પણ પેનલમાંથી પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ ધાધલની હાર થઈ હતી. જયારે ઉપપ્રમુખ પદે સમર્પણ પેનલના કશ્યપભાઈ યાદવએ પરિવર્તન પેનલના ઉમેદવાર સામે કાંટાની ટક્કરમાં ૨૨ મતથી જીત મેળવી બાજી મારી હતી.













