બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આજે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂના સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સાંકડી શેરી વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહિલા પોલીસ અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
ગઢડા મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સાંકડી શેરી વિસ્તારમાં ઓપરેશન હાથ ધરાયું હતું. રોડ પર મકાન માલિકોએ બનાવેલા ગેરકાયદે ઓટલા અને અન્ય દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં રસ્તાઓ એટલા સાંકડા થઈ ગયા હતા કે એમ્બ્યુલન્સ કે અન્ય મોટા વાહનો પસાર થઈ શકતા ન હતા, જે અંગેની અરજી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઘર્ષણ
જ્યારે તંત્ર દબાણ હટાવવા પહોંચ્યું ત્યારે સાંખ્યયોગી બહેનોએ તેનો વિરોધ કર્યો હતો. મહિલા પોલીસે જ્યારે આ બહેનોને પકડીને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્ હતો, ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે અંતે તંત્રએ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી.
વિપક્ષના નેતાએ ઉચ્ચારી આંદોલનની ચીમકી
ગઢડા નગરપાલિકાની આ કાર્યવાહીને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. નગરપાલિકાના વિપક્ષના નેતા નેતા મીત ડાંગરે આક્ષેપ કર્યો હતો કે, તંત્રએ માત્ર એક દિવસ અગાઉ નોટિસ આપીને તાત્કાલિક ડિમોલિશન કરી નાખ્યું છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જન આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો - Botad : ગઢડાના ઢસા ગામે પત્નીની પાણીના હોજમાં ડુબાડી હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા