બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાંથી એક સનસનાટીભરી લોહિયાળ ઘટના સામે આવી છે. અહીંના અળવ ગામ નજીક બોટાદના ખોડિયારનગરમાં રહેતા હર્ષ દશરથભાઈ ચૌહાણ નામના યુવક પર કેટલાક અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો હર્ષ પર આડેધડ ઘા ઝીંકીને તેને લોહીલુહાણ હાલતમાં મૂકીને નાસી છૂટ્યા હતા.


સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત

આ હિંસક હુમલા અંગે હર્ષના પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે સૌપ્રથમ બોટાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવકની ગંભીર સ્થિતિને જોતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ યુવકે દમ તોડી દીધો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

પ્રેમ પ્રકરણમાં હત્યા થયાની આશંકા

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાબડતોબ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ચકચારી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવી રહ્યું છે. હાલમાં પોલીસે શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: