છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકા સ્થિત ભેંસાવાહી ગામ હાલ શ્રદ્ધા અને ઉલ્લાસના રંગે રંગાયું છે. સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિનું જતન કરતા આ ગામ દ્વારા 61 વર્ષના લાંબા વિરામ બાદ અત્યંત દુર્લભ ગણાતા 'ગામસાઈ ઇન્દ મહોત્સવ'ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે, જે ગ્રામીણ એકતા અને સામૂહિક આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.
ભેંસાવાહીમાં યોજાયેલો આ મહોત્સવ ખાસ કરીને 19 દેવી-દેવતાઓની પેઢી બદલવાની ધાર્મિક વિધિ માટે જાણીતો છે. ગામસાઈ ઇન્દ મહોત્સવ આદિવાસી પરંપરામાં એક યુગપલટો સૂચવે છે, જેનું આયોજન ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે. આ ભવ્ય અને પવિત્ર પ્રસંગને સફળ બનાવવા માટે ગામના 850 જેટલા પરિવારોએ અદ્ભુત સહયોગ અને એકતા દાખવી હતી.
આ ઐતિહાસિક મહોત્સવનો કુલ ખર્ચ રૂપિયા 15 લાખ થયો હતો, જે સમગ્ર રકમ ગામના લોકોએ પોતપોતાની આર્થિક ક્ષમતા મુજબ ભેગી કરી હતી. દરેક પરિવારે રૂપિયા 1500 થી લઈને રૂપિયા 12,000 સુધીનું ઉદાર યોગદાન આપીને પરંપરાનું જતન કરવાની પોતાની ફરજ નિભાવી હતી.
સતત 10 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવ દરમિયાન ગ્રામજનોએ આસ્થા સાથે ઉપવાસ કર્યા હતા. દિવસભર ધાર્મિક વિધિઓ અને પૂજા-અર્ચના બાદ રાત્રિના સમયે પરંપરાગત નાચ-ગાન અને લોકગીતો સાથે આખું ગામ ઉલ્લાસમાં ડૂબેલું જોવા મળ્યું હતું. 61 વર્ષ બાદ યોજાયેલા આ ગામસાઈ ઇન્દ મહોત્સવ દ્વારા ધાર્મિક પરંપરાને જીવંત રાખવામાં આવી છે, આ સાથે સાથે ગ્રામજનોની સંગઠન શક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેની ઊંડી નિષ્ઠાને પણ ઉજાગર કરી છે.
આ પણ વાંચો - Gujarat Police Recruitment 2025: પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત પોલીસમાં 14,000 જગ્યા માટે કરાશે ભરતી