ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે ચેડાં કરવાની અણછાજતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવામાં આવી હતી, જેના સમાચાર વાયુવેગે પ્રસરતા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને ગંભીર ગણાવીને પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.


સરદારની પ્રતિમાને ટોપી પહેરાવવાનો મુદ્દો ઉગ્ર બન્યો

પ્રતિમાના અપમાનના આ મુદ્દાને લઈને પાટીદાર સમાજ લાલઘૂમ થયો છે. સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા દહેગામ મામલતદાર અને પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દેશના આદર્શ અને રાષ્ટ્રીય નેતાનું આ પ્રકારે અપમાન કરવું એ અસ્વીકાર્ય છે. આ કૃત્ય પાછળ જે પણ લોકો સંડોવાયેલા હોય તેમની તાત્કાલિક ધરપકડ કરી, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અણછાજતી ઘટનાને લઇ પાટીદાર સમાજ લાલઘુમ

સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ આ મામલે દાખલારૂપ કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રીય વિભૂતિઓના સન્માન સાથે ખેલ કરવાની હિંમત ન કરે. પોલીસ વિભાગે પણ ઘટનાની ગંભીરતા સમજીને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને જવાબદારોને પકડવાની ખાતરી આપી છે. હાલમાં આ ઘટનાને પગલે દહેગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: