દાહોદ જિલ્લામાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે હવે નાના બાળકો પણ સુરક્ષિત રહ્યા નથી. સિંગવડ તાલુકાના પહાડ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પાંચ વર્ષીય માસૂમ બાળક પર રખડતા કૂતરાએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘરની બહાર નીકળતા જ હુમલો
ઘટનાની મળતી માહિતી અનુસાર, પહાડ ગામમાં રહેતા ગિરિશભાઈ મકવાણાનો 5 વર્ષીય પુત્ર વનરાજ જેવો ઘરની બહાર નીકળ્યો, કે તરત જ ત્યાં હાજર એક હિંસક રખડતા કૂતરાએ તેના પર હુમલો કરી દીધો હતો. કૂતરૂં એટલું હિંસક હતું કે તેણે પહેલા બાળકના હાથ પર બચકા ભર્યા હતા અને ત્યારબાદ તેના માથાના ભાગે ગંભીર રીતે કરડી ખાધું હતું. બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ લોહીલુહાણ થતો બચાવ્યો હતો.













