ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા આહવા ખાતે 'એકના ડબલ' કરી આપવાની લોભામણી સ્કીમ ચલાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પબ્લિકને લૂંટતી આ ટોળકીની જાળમાં આ વખતે ખુદ કાયદાના રક્ષકો જ ફસાયા હતા. પોલીસે આરોપીને દબોચવા માટે 4 રાજ્યોમાં બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં મુસાફરી કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું.
13 મહિનામાં રૂપિયા ડબલ કરવાની ઓફરમાં છેતરાયા
ડાંગના આહવા ખાતે 'ઇવા કંપની' (Eva Company) નામે એક સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ કંપનીના સંચાલકોએ રોકાણકારોને માત્ર 13 મહિનામાં જ રોકેલા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી. આ લોભામણી ઓફરમાં આવીને ખુદ જીઆરડી (GRD) જવાન અને પોલીસ જવાન સહિત ત્રણ જેટલા લોકોએ કુલ રૂપિયા 18,40,000 (18 લાખ 40 હજાર) નું મોટું રોકાણ કર્યંં હતું.
રૂપિયા ચૂકવવાના સમયે ડિરેક્ટર રાકેશકુમાર બિંદ ફરાર થયો
નક્કી થયેલી શરતો મુજબ, 6 મહિના પૂર્ણ થતાં જ જ્યારે રોકાણકારોને કરાર મુજબના રૂપિયા 15,40,000 ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે જ કંપનીનો ડિરેક્ટર અને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશકુમાર રામપ્રસાદ બિંદ રાતોરાત ઓફિસ બંધ કરીને નાસી છૂટ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારાઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રૂપિયા ચૂકવવાના સમયે જ ડિરેક્ટર ફરાર
પોલીસ સ્ટાફ સાથે છેતરપિંડી કરનાર આ આરોપીને પકડવા માટે ડાંગ એલસીબીએ કમર કસી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીના લોકેશનના આધારે ઓરિસ્સા, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર એમ 4 રાજ્યોમાં રાત-દિવસ એક કરીને સઘન તપાસ હાથ ધરી હતી. સ્થાનિક વાહનો, બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં અંદાજે 4,700 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી ખેડીને આખરે પોલીસે મુખ્ય સૂત્રધાર રાકેશકુમાર બિંદને દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી આ ટોળકીમાં સામેલ અન્ય સાગરીતો અને છેતરપિંડીના નાણાં રિકવર કરવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો