અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આજે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. ધારીની અજંટા સોસાયટી પાસે ઉભેલી એક 'છોટા હાથી' ગાડી, જેમાં રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લર ચલાવવામાં આવતું હતું, તેમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગવાની ઘટના પેટ્રોલ પંપ નજીક બની હતી. જે કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પેટ્રોલ પંપ નજીક હોવાથી મોટો ખતરો
જે સ્થળે આ આગ લાગી હતી તેની બિલકુલ નજીકમાં જ એક સીએનજી (CNG) પેટ્રોલ પંપ આવેલો હતો. ગાડીમાં આગ લાગતા જ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કારણ કે, જો આગ પેટ્રોલ પંપ સુધી પહોંચી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.
તંત્રની લાચારી અને કામ ચલાઉ જુગાડ
આશ્ચર્યજનક વાત એ રહી કે ધારી નગરપાલિકા પાસે આ સમયે કોઈ કાર્યરત ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હતું. આવી ગંભીર સ્થિતિમાં સમયસૂચકતા વાપરીને ધારી પાલિકાના જેટીંગ મશીન (ગટર સાફ કરવાનું મશીન) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેટીંગ મશીન દ્વારા પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
જાનહાનિ ટળી પણ ભારે નુકસાન
આ આગની દુર્ઘટનામાં આઈસ્ક્રીમ પાર્લરની ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. સ્થાનિકોમાં નગરપાલિકા પાસે ફાયર ફાઈટરની સુવિધા ન હોવા અંગે રોષ પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - Amreli News: લીલીયાના કણકોટમાં જંગલી રોઝ હડકાયુ બનતાં બે લોકોને ઈજા પહોંચાડી