અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં આવેલા વટામણ ચોકડી પાસે એક કાળજું કંપાવનારો ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રાફિકના કારણે ઊભેલી એક કારને પાછળથી આવતી ટ્રકે અડફેટે લેતાં કાર આગળના ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. બે ટ્રકો વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી જતાં કારમાં સવાર જૂનાગઢ જિલ્લાના એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.


ટ્રાફિકમાં ઊભેલી વેન્યુ કારને આઇશર ટ્રકે પાછળથી ફંગોળી

વટામણ ચોકડી પાસે ટ્રાફિક જામ હોવાના કારણે એક ટ્રકની પાછળ હ્યુન્ડાઇ વેન્યુ કાર ઊભી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ઘસી આવેલા એક આઇશર ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કાર આગળ ઊભેલા મોટા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી અને લોખંડના ડબ્બાની જેમ કચડાઈ ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ આઇશર ટ્રકનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જેસીબી અને ચેન કટરની મદદથી કાર કાપીને લોકોને બહાર કઢાયા

આ ભયાનક અકસ્માત જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસ, ફાયર ફાઇટરની ટીમ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસે જેસીબી, હાઇડ્રા ક્રેન અને ચેન કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ કારના પતરાં કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

કોડીનારના નરેન્દ્રભાઈનું મોત; 3 ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કારમાં સવાર તમામ મુસાફરો જૂનાગઢ જિલ્લાના કોડીનાર અને માંગરોળ પંથકના વતની હતા. આ દુર્ઘટનામાં કોડીનારના રહેવાસી નરેન્દ્રભાઈ કાંતિભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો - સિદ્ધાર્થ જાદવ (માંગરોળ), કલ્પેશ બાંભણીયા (કોડીનાર) અને પંકજભાઈ કાવઠ (કોડીનાર) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને 108 મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: