રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર નેશનલ હાઈવે પરથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે કોઈ કારણસર સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કારનો કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના સભ્યોમાંથી એક મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.



એક જ પરિવારના 5 સભ્યોને નડ્યો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ધોરાજીના બહારપુરા અને વણકર વાસ વિસ્તારનો રહેવાસી છે. પરિવારના સભ્યો કારમાં સવાર થઈને ધોરાજીથી જેતપુર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પુરપાટ ઝડપે જઈ રહેલી કારના સ્ટેયરિંગ પરથી ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેને કારણે કાર પલટી મારી ગઈ હતી કે, રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી.


મહિલાનું મોત, બાળકો સહિત 4 ઈજાગ્રસ્તો જૂનાગઢ હોસ્પિટલ રિફર

આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર એક મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય કારમાં સવાર અન્ય સભ્યો જેમાં બે મહિલા, એક પુરૂષ, એક દીકરી અને એક નાનું બાળક શામેલ છે, તેઓને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અકસ્માત થતાં જ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. તમામ 4 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના સભ્યના મોતથી ધોરાજીના વણકર વાસ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Rajkot News: શેમળા ગામના તળાવમાં ડૂબતા એક જ પરિવારના 3 બાળકોના મોત


  • Follow us on: