દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય યુવકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ગુંદા ગામે રહેતા મિત રમણીકભાઈ માણાવદરીયા નામના યુવકે ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં જઈ અંતિમ પગલું ભર્યું હતું. યુવાન પુત્રના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું છે અને ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.


યુવકના આપઘાતનું કારણ

મિતના આપઘાત પાછળનું કારણ તેની સગાઈ ન થતી હોવાની બાબત હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી પ્રયત્નો કરવા છતાં યોગ્ય પાત્ર ન મળવાને કારણે કે સગાઈમાં વિલંબ થવાને કારણે મિત માનસિક રીતે વ્યથિત હતો. આ બાબત તેને મગજમાં લાગી આવતા, તેણે હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. ઘટના સમયે તે ઉપરના રૂમમાં એકલો હતો અને ત્યાં તેણે પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો.

યુવકના પરિચિતો અને મિત્રવર્તુળમાં આક્રંદ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક દબાણ અને યુવાનોમાં વધતી જતી માનસિક હતાશા સામે લાલબત્તી ધરી છે. 25 વર્ષની નાની ઉંમરે સગાઈ જેવી બાબતે જીવ ગુમાવનાર મિતના પરિચિતો અને મિત્રવર્તુળમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: