દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે.જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૦૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા.૧૯/૧૨/૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે.
ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે છે
આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.













