કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ ફરી એકવાર જળસમાધિનું કેન્દ્ર બની છે. ગાંધીધામ નજીક આવેલી નર્મદા કેનાલમાં બે અલગ-અલગ સ્થળોએ ન્હાવા પડેલા એક યુવક અને એક બાળકના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત 20 કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.


શીણાઇ અને શનિદેવ મંદિર પાસે બની ઘટના

ઘટનાની મળતી માહિતી અનુસાર, બુધવારના રોજ ગાંધીધામ પાસેની શીણાઇ કેનાલ અને શનિદેવ મંદિર નજીકથી પસાર થતી કેનાલમાં બે અલગ-અલગ દુર્ઘટનાઓ બની હતી. ગરમીથી રાહત મેળવવા અથવા ન્હાવાના આશયથી કેનાલમાં ઉતરેલા એક યુવક અને એક બાળક પાણીના પ્રવાહમાં લાપતા થયા હતા. સ્થાનિક લોકોએ બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા મળી હતી.

20 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ ગાંધીધામ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગઈકાલ સાંજથી જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અંધારું અને પાણીનો પ્રવાહ અવરોધરૂપ બન્યા હતા. આજે સતત 20 કલાકની મથામણ બાદ ફાયર વિભાગના જવાનોને બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. કેનાલના કિનારે ઉભેલા પરિવારજનોએ જ્યારે પોતાના સ્વજનના મૃતદેહ જોયા ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

તંત્રની ચેતવણી છતાં લાપરવાહી

નર્મદા કેનાલમાં ન્હાવા પડવું જોખમી હોવાની વારંવારની સૂચનાઓ અને ચેતવણીઓ છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તંત્ર દ્વારા અવારનવાર લોકોને કેનાલથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે, તેમ છતાં નાની એવી ભૂલ પરિવાર માટે આજીવનનું દુઃખ બની જતી હોય છે. હાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Kutch News: ગાંધીધામના શિણાઈ પાસે નર્મદા કેનાલમાં બાળક ડૂબ્યું, બેનો આબાદ બચાવ, એકની શોધખોળ શરૂ


  • Follow us on: