કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા પ્રણવનગર નજીક કોલીવાસમાં ગઈકાલે રાત્રે એક ભયાનક વિસ્ફોટની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 8 વર્ષીય બાળક ભાવેશ અરવિંદભાઈ કોલીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વણફૂટેલો જીવંત સેલ રમકડા જેવી વસ્તુ સમજીને ઘરે લાવવું બાળકના પરિવાર માટે માતમનું કારણ બન્યું છે. 8 વર્ષીય ભાવેશ નજીકમાં આવેલી ફાયરિંગ બટ રેન્જ (જ્યાં સુરક્ષા દળો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે) માંથી એક વણફૂટેલો સેલ (Explosive Shell) ઘરે લઈ આવ્યો હતો.


વણફૂટેલો સેલ ફાટતા બાળકનું મોત

ગઈકાલે રાત્રે આ વિસ્ફોટક પદાર્થ અચાનક જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં ભાવેશ અને 25 વર્ષીય રામાભાઈ શંભુભાઈ કોલી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ માસૂમ ભાવેશે દમ તોડી દીધો હતો. આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને તે કેટલી ક્ષમતાનો હતો તેની સચોટ માહિતી મેળવવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને બોલાવવામાં આવી છે.

પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ

પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરી રહી છે. વિસ્ફોટક પદાર્થની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ કયા દળનો અને કયા પ્રકારનો દારૂગોળો હતો. માત્ર 8 વર્ષની ઉંમરે પુત્ર ગુમાવતા કોલી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાએ ફાયરિંગ રેન્જની આસપાસ રહેતા લોકોની સુરક્ષા અને રેન્જની બહાર રહી ગયેલા વણફૂટેલા શેલ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ફાયરિંગ રેન્જ આસપાસની આવી કોઈ પણ અજાણી વસ્તુને અડકવી નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: