ગુજરાતમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રાફિક ઝુંબેશ હવે પૂર્ણ થઈ છે. મે માસ દરમિયાન સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી ચાલેલી આ મેગા હેલ્મેટ ડ્રાઈવના આંચકાજનક આંકડા આજે સામે આવ્યા છે. આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરવામાં આવી છે.


સરકારી કર્મીઓ પણ દંડાયા

આ ડ્રાઈવ દરમિયાન માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ કાયદાનું પાલન કરાવનારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટા પાયે દંડાયા છે.

 1 લાખ 88 હજારથી વધુ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી

સત્તાવાર આંકડાઓ અનુસાર, એક મહિનાના આ હેલ્મેટ અભિયાન દરમિયાન રાજ્યભરમાં કુલ 1 લાખ 88 હજારથી વધુ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ આક્રમક ચેકિંગના પરિણામે તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી કુલ 5 કરોડ 21 લાખ રૂપિયાથી વધુનો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે.

 સરકારી બાબુઓ પર પણ તવાઇ

આ ડ્રાઈવની સૌથી મોટી ખાસિયત એ રહી કે સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી બાબુઓ પર પણ ખાખીએ કોઈ રહેમ નજર રાખી નથી.

 5123 સરકારી કર્મીઓ પણ ઝડપાયા

સમગ્ર રાજ્યમાં હેલ્મેટ વગર બબૂચકની જેમ ફરતા 5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પકડી પાડીને દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિયમભંગ કરનારા સરકારી કર્મચારીઓ પાસેથી જ માત્ર ૧૬ લાખ ૫૮ હજાર રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ લોકોમાં સ્વયં શિસ્ત અને હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવાનો હતો, જેથી માર્ગ અકસ્માતમાં થતા મોતના પ્રમાણને ઘટાડી શકાય. આ ડ્રાઈવ પૂર્ણ થઈ હોવા છતાં આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે રૂટીન ચેકિંગ ચાલુ જ રહેશે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : સુરતના ભૂતિયા ડિમોલિશનમાં મોટો ખુલાસો, તંત્રએ મૌન તોડ્યું

  • Follow us on: