ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર કેતનભાઈ દવે રૂ.80 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ પકડાઈ જતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.


સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારી લાંચ લેતા ઝડપાયા

આ ઘટનાની વિગત મુજબ, ફરિયાદીનું પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરવાના અવેજમાં સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર કેતનભાઈ દવેએ રૂ. 80 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે આ અધિકારીને પકડવા માટે ચોક્કસ આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું.

સરગાસણ ચોકડી પાસે ગાડીમાં લેવાઈ રહી હતી લાંચ

ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે કેતનભાઈ દવેએ ફરિયાદીને લાંચની રકમ સાથે બોલાવ્યા હતા. જ્યારે તેઓ પોતાની ગાડીમાં બેસીને રૂ. 80 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, તે જ સમયે વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની રકમ કબજે કરીને અધિકારીની અટકાયત કરી છે. ACB દ્વારા આરોપી કેતનભાઈ દવે વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: