મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ વંચિતોને વરિયતાના કાર્યમંત્ર સાથે આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના આપેલો વિચાર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સાકાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં 732 કરોડ રૂપિયાના 112 કામો તથા દાહોદ જિલ્લામાં 367 કરોડ રૂપિયાના 1200થી વધુ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી હતી.
23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા
ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે રૂપિયા 406 કરોડની ઉદવવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાના પરિણામે અંદાજે 86 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળતી થશે. પાનમ જળાશયમાંથી આ હેતુસર 236 ફૂટ ઊંચાઈથી પાણી લિફ્ટ કરીને 205 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન મારફતે વહેવડાવવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણીને જ વિકાસનો મુખ્ય આધાર ગણવાતા આ અવસરે કહ્યું કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 3160 કરોડના ખર્ચે 11 ઉદવાહન સિંચાઈ યોજનાથી 2 લાખ 23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે.













