ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હવે 'ક્લસ્ટર બેઝ્ડ' અભિગમ અપનાવીને પ્રાકૃતિક ખેતીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
500 ગામોની વિશેષ પસંદગી કરવામાં આવશે
કૃષિ મંત્રીએ વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં જ્યાં પ્રાકૃતિક ખેતીની મહત્તમ શક્યતાઓ છે, તેવા 500 ગામોની વિશેષ પસંદગી કરવામાં આવશે. આ ગામોના મોટા ભાગના વિસ્તારને તબક્કાવાર પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવામાં આવશે. પસંદ કરાયેલા ગામોના ખેડૂતોને માત્ર સલાહ જ નહીં, પરંતુ પાયાના સ્તરે તાલીમ, માર્ગદર્શન અને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે.
ક્લસ્ટરોને સીધા જ બજાર વ્યવસ્થા સાથે સાંકળવામાં આવશે
આટલું જ નહીં, ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક પાકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે તે માટે જરૂરી સર્ટીફીકેશનની પ્રક્રિયા સરકાર દ્વારા સરળ અને સુલભ બનાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને તેમના રસાયણમુક્ત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ક્લસ્ટરોને સીધા જ બજાર વ્યવસ્થા સાથે સાંકળવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
પરિવહન, પેકેજિંગ અને વેચાણના ખર્ચમાં ઘટાડો થશે
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના ખેડૂતો વ્યક્તિગત રીતે ખેતી કરવાને બદલે 'ક્લસ્ટર'માં પ્રાકૃતિક ખેતી અપનાવશે, ત્યારે પરિવહન, પેકેજિંગ અને વેચાણના ખર્ચમાં ઘટાડો થશે અને સામૂહિક શક્તિના કારણે બજારમાં વધુ સારો નફો મેળવી શકશે. આ નિર્ણયથી ગુજરાતના કૃષિ ક્ષેત્રે ટકાઉ ખેતીનો નવો અધ્યાય શરૂ થશે અને પર્યાવરણની જાળવણી સાથે જનતાને શુદ્ધ આહાર ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો--- Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી