મધ્ય-પૂર્વમાં ઉદ્ભવેલ ભૂ-રાજકિય પરિસ્થિતીના કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાં LPG (Liquified Petroleum Gas) તથા LNG (Liquified Natural Gas) પુરવઠા પર પડેલા પ્રભાવને પહોંચી વળવા માટે અને રાજ્યમાં ગેસ પુરવઠો સતત જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ગેસ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
100 % કુદરતી ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે
કેન્દ્ર સરકાર દ્વારા ૫ માર્ચ ૨૦૨૬ ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા LPG માટે ઉપયોગ થતા બ્યુટેન તથા પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ના ઉત્પાદન માટે કરવામાં આવે તથા તે જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (IOCL, BPCL અને HPCL) ને જ ઉપલબ્ધ કરાવવામાં આવે તે મુજબની નિયમનકારી વ્યવસ્થા આવશ્યક ચિજવસ્તુ ધારા નીચે કરવામાં આવેલ છે. જેથી ઘરેલુ વપરાશના LPG સિલિન્ડરનો પુરવઠો અવિરત નાગરિકોને મળી રહે અને કોઇ અસુવિધા ઉભી ન થાય. તેવી જ રીતે ભારત સરકાર દ્વારા ૯ માર્ચ ૨૦૨૬ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા ઘરેલુ PNG અને વાહનો માટેના CNG જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા-૧ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોને ૧૦૦ % કુદરતી ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન થાય.
ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે
વર્તમાન પરિસ્થિતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુદરતી ગેસ પુરવઠામાં માત્ર મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે. જોકે આવનારા સમયમાં LNGના નવા કાર્ગો મધ્ય-પુર્વના યુધ્ધ અસરગ્રસ્ત સિવાયના વિશ્વના અન્ય વિસ્તારોમાંથી ભારત પહોંચવાના હોવાથી ગેસ પુરવઠાની સ્થિતિ વધુ સુદ્દઢ થાય તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે. દેશના ગેસ આધારિત ઊર્જા ક્ષેત્રમાં ગુજરાત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં હાલમાં ૧,૦૭૩ CNG સ્ટેશનો અને ૩૭ લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકો માટે સતત અને વિશ્વસનીય ગેસ પુરવઠો સતત જાળવવા માટે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા CGD (શહેરી ગેસ વિતરણ) કંપનીઓ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.
રાજ્યના ઉદ્યોગો તથા નાગરિકોને વિશ્વસનીય ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તે માટે જરૂરી
તા. ૧૩/૩/૨૦૨૬ના રોજ માન. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં ગેસ પુરવઠાની પ્રવર્તમાન પરિસ્થિતીની ઉચ્ચસ્તરિય સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિના પડકારો તેમજ આવનારા દિવસોમાં પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલુ LPG નો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યુ હતુ તેમજ રાજ્યમાં ઘરેલુ PNG અને વાહન માટેના CNG જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં ગેસ પુરવઠો અવિરત મળી રહે અને નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આગોતરા તેમજ લાંબા ગાળાના આયોજનની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શનોનું ચુસ્તપણે પાલન કરીને રાજ્યના ઉદ્યોગો તથા નાગરિકોને વિશ્વસનીય ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગેસ પુરવઠો જાળવવામાં કોઈ ખલેલ ન પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે
બેઠક દરમિયાન રાજ્યમાં સ્વચ્છ ઊર્જાના વ્યાપને વધુ વેગ આપવા માટે શક્ય તેટલી વહેલી તકે ઘરેલુ (Domestic) તથા કોમર્શિયલ PNG કનેક્શનોની સંખ્યા વધારવા, નવા વિસ્તારોમાં નેટવર્કનું ઝડપી વિસ્તરણ કરવા અને વધુમાં વધુ ગ્રાહકોને PNG સાથે જોડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ઋષિકેશ પટેલ, માન. મંત્રી, ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ, રમણભાઇ સોલંકી,મંત્રીઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, કૌશિક વેકરીયા માન. રા.ક. મંત્રી, ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ, પુનમચંદ બરંડા, માન. રા.ક. મંત્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો દ્વારા રોજે રોજ પરિસ્થિતીનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. નાગરિકોને કોઇપણ પ્રકારની ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરવામાં આવે છે અને ઘરેલુ વપરાશ માટેના LPG ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણીક સંસ્થાઓ, હોસ્ટેલો, સામુદાયિક-સામાજીક કલ્યાણકારી સંસ્થાઓ જેવી કે અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અક્ષયપાત્ર, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી વિગેરેને પુરા પાડવામાં આવતા LPG તેમજ ઘરેલુ PNG તેમજ રેસ્ટોરન્ટ વિગેરેને પુરો પાડવામાં આવતો PNG અને વાહનોના ઉપયોગ માટેના CNG નો પુરતો પુરવઠો નાગરિકોને મળી રહે તે પ્રકારની સંપુર્ણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ છે. સરકાર અને સંબંધિત કંપનીઓ દ્વારા નાગરિકોને વિશ્વાસ આપવામાં આવે છે કે ગેસ પુરવઠો જાળવવામાં કોઈ ખલેલ ન પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉત્પાદન તથા સપ્લાય દ્વારા LPGનો વધારાનો પુરવઠો સતત મળી રહેલ છે
સરકાર દ્વારા તમામ જીલ્લા કલેક્ટરો તથા જિલ્લા પોલીસ અધિક્ષકોને LPG વિતરણ એજન્સીઓ સાથે રહીને વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા LPG તથા LNG ને આવશ્યક ચીજવસ્તુ ધારો-૧૯૫૫ હેઠળ હુકમો પ્રસિધ્ધ કરીને નિયંત્રિત કરવામાં આવેલ હોઇ તેની સંગ્રહખોરી કે અન્ય કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા અને આ પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા કલેક્ટરોને જણાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા એક જ વ્યક્તિ દ્વારા બે LPG સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૪૫ દિવસનું અંતર રાખવા સુચના આપવામાં આવેલ છે. વધુમાં રાજ્યમાં હાલ જે પણ LPG નો વપરાશ થાય છે તેની સામે ઉત્પાદન તથા સપ્લાય દ્વારા LPGનો વધારાનો પુરવઠો સતત મળી રહેલ છે.
આ પણ વાંચો : Porbandar News : પોરબંદરની ઘેડ યોજનાને લઈ 1534.19 કરોડના ખર્ચે સરકાર કરશે વિકાસ, વરસાદી પાણીના નિકાલ માટે નદીઓના મુખ પહોળા કરાશે