ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉમદા નિર્ણય લીધો છે. રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્ર જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
1364 કરોડ જેટલી માતબર રકમની સહાય
પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંબાજી ખાતેથી વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યની પાંજરાપોળ-ગૌશાળાને પશુ નિભાવ માટે એક પશુ દીઠ દૈનિક રૂ. ૩૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ થી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યની ૧૬૦૦થી વધુ સંસ્થાઓના ૪.૫૦ લાખથી વધુ પશુઓ માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૩૬૪ કરોડ જેટલી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદાર અભિગમ
આ યોજનાના નિયમ મુજબ, જે સંસ્થાઓની નોંધણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. ૩૧-૦૩-૨૦૨૨ પહેલા થઈ હોય તેમને જ આ સહાય મળવાપાત્ર હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પછી નોંધાયેલી ગૌશાળા-પાંજરાપોળને આ સહાય ન મળતી હોવાથી રાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાઓની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર અભિગમ દાખવી ટ્રસ્ટ નોંધણીની મર્યાદા વધારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
10 કરોડ જેટલી વધારાની સહાય
હવે આગામી નાણાકીય વર્ષ એટલે કે, તા. ૦૧-૦૪-૨૦૨૬થી, જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. ૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. નોંધણીની સમયમર્યાદા વધારવાના કારણે રાજ્યની વધુ ૧૦૦ જેટલી ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ શકશે. આ સુધારાથી અંદાજે રૂ. ૧૦ કરોડ જેટલી વધારાની સહાય આ સંસ્થાઓ દ્વારા નિભાવવામાં આવતા પશુઓ માટે ચૂકવવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. પશુપાલન મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા પશુઓની જાળવણીની જે સેવાભાવી પ્રવૃત્તિ થાય છે, તેને આર્થિક બળ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ નિર્ણયથી સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે.
આ પણ વાંચો--- Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી