વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના
રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય વાઈસ ચાન્સેલર મીટ યોજાઈ હતી.મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે.












