ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામની સીમમાં આવેલું તળાવ આજે મરેલી માછલીઓના ઢગલાથી ભરાઈ ગયું છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતા આખું તળાવ સફેદ ચાદર ઓઢી હોય તેમ માછલીઓના મૃતદેહોથી ઉભરાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોલ્ડ સ્ટોરેજ પર ગંભીર આક્ષેપ
સાંપા ગામના રહીશોના જણાવ્યા અનુસાર, તળાવની નજીકમાં જ શિવસાગર કોલ્ડ સ્ટોરેજ આવેલું છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, આ કોલ્ડ સ્ટોરેજ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે. આ ઝેરી પાણીને કારણે જ જળચર સૃષ્ટિનો નાશ થયો છે અને માછલીઓ તરફડિયા મારીને મોતને ભેટી છે. માત્ર માછલીઓ જ નહીં, પરંતુ આસપાસના પર્યાવરણ અને ખેતીને પણ નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.













