રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓના સન્માન અને સ્વાવલંબન માટે ચાલતી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’માં ટેકનોલોજીના માધ્યમથી મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવે લાભાર્થી બહેનોને સહાયની રકમ લેવા માટે પોસ્ટ ઓફિસ કે બેંકના ધક્કા ખાવા નહીં પડે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા આ રકમ સીધી આધાર આધારિત DBT દ્વારા ખાતામાં જમા થશે અને પોસ્ટમેન ઘરે આવીને નાણાં પહોંચાડશે.


ઉત્તર ગુજરાતમાં વિશેષ અભિયાન

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં આશરે 1.47 લાખ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસ દ્વારા સહાય મેળવે છે. આ તમામ બહેનોને આધુનિક બેંકિંગ સાથે જોડવા માટે 14 થી 20 ફેબ્રુઆરી, 2026 સુધી વિશેષ ઝુંબેશ ચલાવી નવા IPPB ખાતા ખોલવામાં આવશે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ અને લાભ

  • ઝીરો બેલેન્સ ખાતું: IPPB ખાતું કોઈપણ પ્રારંભિક રકમ વગર (Zero Balance) ખોલી શકાશે
  • ઘરબેઠાં સુવિધા: પોસ્ટમેન કે ડાક સેવક ઘરે આવીને ખાતું ખોલી આપશે અને ભવિષ્યમાં રોકડની ચૂકવણી પણ ઘરે જ કરશે
  • આધાર લિંકિંગ: જેમને સહાય મેળવવી છે તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે
  • જૂના ખાતા સાથે જોડાણ: આ નવું ખાતું જૂના પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે લિંક કરી શકાશે

જરૂરી દસ્તાવેજો અને સંપર્ક

આ સુવિધાનો લાભ લેવા માટે લાભાર્થીએ આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક સાથે રાખવાની રહેશે. જો કોઈને મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 9218302143 પર સંપર્ક કરી શકે છે. સરકારના આ પગલાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સુરક્ષાની સાથે સાથે સુવિધા પણ પ્રાપ્ત થશે.


આ પણ વાંચો - સાંસદ ધવલ પટેલે રેલમંત્રી સાથે દિલ્હીમાં બેઠક યોજી, ઉમરગામ-સંજાણના મુસાફરોની સુવિધા માટે કરી રજૂઆત


  • Follow us on: