ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-25 GIDC વિસ્તારમાં અપહરણ અને મારામારીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. 'મેક્સિમસ હોલીડે પ્રાઇવેટ લિમિટેડ' કંપની સાથે જોડાયેલા હિસાબી બાબતોના મનદુખને કારણે એક યુવકનું જાહેરમાં અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર પોલીસે આ મામલે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શહેર માં અપહરણ અને મારપીટની ઘટના

ગત 26 માર્ચના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે ફરિયાદી યુવક જ્યારે સેક્ટર-25 GIDCમાં આવેલી HBC લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાર્કિંગમાં હતો, ત્યારે આરોપીઓએ તેને નિશાન બનાવ્યો હતો. હિમાંશુભાઈ શંકરભાઈ પટેલ, સપના કુંદનભાઈ ડુમરે અને રીષા દેસાઈ નામના શખ્સોએ ભેગા મળીને ફરિયાદીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધો હતો. ચાલુ ગાડીએ ફરિયાદી સાથે શારીરિક મારપીટ કરવામાં આવી હતી અને તેને ગંભીર પરિણામો ભોગવવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.

જાનથી મારી નાખવાની આપી હતી ધમકીઓ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ અને ફરિયાદી વચ્ચે વ્યવસાયિક હિસાબોને લઈને લાંબા સમયથી તકરાર ચાલતી હતી. આ જ મનદુખ રાખીને આરોપીઓએ આયોજનબદ્ધ રીતે આ કૃત્ય આચર્યું હતું. ગાંધીનગર પોલીસે આ મામલે અપહરણ, મારામારી અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: