રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ₹૩૭૨૫.૧૧ કરોડના બજેટની જોગવાઈ અંગે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં 'ઘરનું ઘર' પૂડું પાડવાનો, રોજગારીની તકો વધારવાનો અને મહિલા સશક્તીકરણને વેગ આપવાનો છે. આ અંગે અંદાજપત્રમાં સૂચવવામાં આવેલી વિવિધ જોગવાઈઓ વિશે વાત કરતાં ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર કામ કરી રહી છે.
૬.૯૦ લાખથી વધુ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા
જે અંતર્ગત,‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)' હેઠળ અત્યાર સુધીમાં ૬.૯૦ લાખથી વધુ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ માટે આ યોજના હેઠળ ₹૧૬૧૭.૩૩ કરોડનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આવાસ દીઠ વધારાની ₹૫૦,૦૦૦ની ટોપ-અપ સહાય સાથે, લાભાર્થીને હવે કુલ ₹૨,૩૨,૯૨૦ની સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત, આદિમ જૂથના પરિવારો માટે 'પીએમ-જનમન' યોજના હેઠળ ₹૪૭.૩૫ કરોડ ફાળવાયા છે.
ગ્રામીણ સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો
ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને આજીવિકાની વાત કરતાં તેમણે કહ્યું કે 'વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન' (વીબી-જી રામ-જી) હેઠળ ગ્રામીણ શ્રમિકોને ૧૦૦ દિવસના બદલે ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. આ માટે નવી બાબત તરીકે ₹૧૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તીકરણ અને સ્વચ્છતા વિશે ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં ૫.૯૬ લાખથી વધુ બહેનો 'લખપતિ દીદી' બની છે. તેમના વ્યવસાયને વેગ આપવા લોન પર વ્યાજ સહાય અને ઉત્પાદનોના વેચાણ માટે 'ગ્રામ હાટ' સ્થાપવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ₹૭૩૭.૯૧ કરોડની જોગવાઈ સાથે ગ્રામીણ સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે.
વિલંબિત આવાસો માટે સહાય: વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ ના સમયગાળાના આશરે ૧૮,૦૦૦ વિલંબિત મકાનો પૂર્ણ કરવા માટે ૧૦૦ ટકા રાજ્ય ફાળા હેઠળ વધારાની ₹૫૦,૦૦૦ની સહાય
રોજગારીમાં વધારો: 'વીબી જી રામજી' યોજના હેઠળ ગ્રામીણ કુટુંબદીઠ રોજગારી ૧૦૦ દિવસથી વધારીને ૧૨૫ દિવસ કરવાનું આયોજન (કુલ ₹૧૫૦૦ કરોડ)
લખપતિ દીદી સશક્તીકરણ: લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહન માટે ₹૪૭.૨૫ કરોડની નવી જોગવાઈ
ગ્રામ હાટની સ્થાપના: યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વ-સહાય જૂથની બહેનોના ઉત્પાદનોના વેચાણ માટે ₹૨૦ કરોડના ખર્ચે 'ગ્રામ હાટ' બનાવવાની યોજના
પ્રવાહી કચરા વ્યવસ્થાપન: ગામોમાં ડ્રેનેજ અને પ્રવાહી કચરાની જાળવણી માટે ₹૫૦ કરોડ
સામૂહિક શૌચાલય (CSC) સહાયમાં વધારો: સામૂહિક શૌચાલય બનાવવા માટેની સહાય ₹૩ લાખથી વધારીને ₹૫ લાખ કરવામાં આવી (કુલ ₹૧૦ કરોડ)
ઈ-કોમર્સ અને પ્રચાર: સ્વ-સહાય જૂથોની વસ્તુઓના માર્કેટિંગ અને ઈ-કોમર્સ માટે ₹૨૫ કરોડ