ગાંધીનગરના સુપ્રસિદ્ધ મહુડી જૈન તીર્થના ટ્રસ્ટમાં ચાલી રહેલા વિવાદે હવે ગંભીર વળાંક લીધો છે. ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ વળતો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું છે કે, આક્ષેપ કરનાર અંકિત અને જયેશ મહેતાનો હાલ ટ્રસ્ટ સાથે કોઈ જ સંબંધ નથી, કારણ કે વર્ષ 2024માં જ તેમનું ટ્રસ્ટી પદ રદ કરી દેવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર વોરાએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે અંકિત મહેતાને કોઈપણ ભોગે ટ્રસ્ટી બનવું છે અને તે માટે જ ચેરિટી કમિશનર કચેરીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બંને વ્યક્તિઓને તેમના 'દુષ્કૃત્યો'ને કારણે જ ટ્રસ્ટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અગાઉ કમિશનરે પણ મૂળ ઓર્ડર રદ કર્યો હતો.


મહુડી તીર્થમાં સત્તાનો જંગ

ટ્રસ્ટી મંડળ તરફથી ભૂપેન્દ્ર વોરાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર વિવાદ પાછળનો હેતુ ટ્રસ્ટના કિંમતી દાગીનાઓની ચોરી કરવાનો હોઈ શકે છે. તેમણે ભૂતકાળની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અગાઉ તેમના ભાઈ પણ ચોરીના કેસમાં પકડાયા હતા. એટલું જ નહીં, આક્ષેપ કરનાર અંકિત મહેતા સામે અગાઉ અન્ય કેસમાં 'પાસા' (PASA) હેઠળની કાર્યવાહી પણ થઈ ચુકી હોવાનું તેમણે જણાવ્યું હતું. ટ્રસ્ટના મતે, આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થઈ હોવાથી તેઓ બદલો લેવાની ભાવનાથી ખોટા આક્ષેપો અને કેસ કરીને ટ્રસ્ટની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : સેવન્થ ડે સ્કૂલને અપાઈ અંતિમ નોટિસ, 7 દિવસમાં ખાલી કરવી પડશે જમીન?

  • Follow us on: