કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે સમગ્ર ગુજરાત ભાજપમય બન્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખાસ ઉપલબ્ધિને યાદગાર બનાવવા માટે રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.


એકસાથે મહાઆરતીનું આયોજન

 આ અંતર્ગત ગુજરાતભરના સુપ્રસિદ્ધ અને સ્થાનિક મંદિરોમાં એકસાથે મહાઆરતીનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ ધાર્મિક અને રાષ્ટ્રહિતના મહોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કાર્યકરો જોડાયા હતા.

અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી કરી

આ રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર નજીક આવેલા અડાલજ ત્રિમંદિર ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના અને મહાઆરતી કરીને પીએમ મોદીના સ્વસ્થ જીવનની કામના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સરકારની 12 વર્ષની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે 'અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ' નામના વિશેષ મહા-અભિયાનનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સિદ્ધિઓને રજૂ કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે

ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના ટોચના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક પદાધિકારીઓ અને પાયાના કાર્યકરો સહિત સામાન્ય નાગરિકો પણ આ ઉત્સવમાં ભારે ઉત્સાહભેર જોડાયા હતા. દરેક જિલ્લા અને તાલુકા મથકોએ પીએમ મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં થયેલા ઐતિહાસિક નિર્ણયો, આર્થિક પ્રગતિ અને ગરીબ કલ્યાણની યોજનાઓની સિદ્ધિઓને રજૂ કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા આ આખા સપ્તાહ દરમિયાન જનસંપર્ક અને લોકજાગૃતિના અનેકવિધ સામાજિક કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિકાસના આ અવિરત રથને આગળ ધપાવવાનો છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી

  • Follow us on: