ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસ સામે આવ્યાં છે. શહેરમાં ટાઈફોઈડનો હાહાકાર મચી જવા પામ્યો છે. અનેક વિસ્તારોમાં બિમારીના ખાટલા જોવા મળ્યા છે. શહેરમાં ટાઈફોઈડના કુલ 218 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 6 કેસ સામે આવ્યા છે. સારવાર હેઠળ રહેલા 22 દર્દીઓ સાજા થયા છે અે 41 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
મહાનગરપાલિકાને પાણીના 58 લીકેજ મળ્યા
ગાંધીનગર મહાનગર પાલિકાને પાણીના 58 લિકેજ મળ્યા છે. મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવેલા 6066 સેમ્પલ પૈકી 136 સેમ્પલ ફેઈલ નીકળ્યા છે. જ્યારે પાણીના 5930 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ટાઈફોઈડનો કહેર સામે આવતા જ 10થી વધુ ડોક્ટરો અને 100થી વધુ નર્સિંગ સ્ટાફ કામગીરીમાં લાગી ગયો છે. નવા કેસો સામે આવવાનું ચાલુ રહેતા હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને દવાનો જથ્થો પૂરતો રાખવા સૂચના આપવામાં આવી છે.













