ગુજરાતમાં નશાનો કારોબાર સતત ફૂલી ફાલી રહ્યો છે. સરકાર અને પોલીસની સબ સલામતની ગુલબાંગો વચ્ચે નશાનો કારોબાર આગળ વધી રહ્યો છે. રાજ્યમાં ચરસ અને ગાંજાના સેવન માટે સ્મોકિંગ કોનનું જબરદસ્ત વેચાણ થઈ રહ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને પાનના ગલ્લા પર આ કોન જોરદાર વેચાઈ રહ્યાં છે. ત્યારે હવે રાજ્ય સરકારે સ્મોકિંગ કોનના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.
ડ્રગ્સ સામેની મુહિમમાં સરકારનું વધુ એક કડક પગલું
રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચરસ અને ગાંજાના સેવન માટે વપરાતા પેપર સ્મોકિંગ કોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા પદાર્થોનો ઈ કોમર્સ પર થતાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાન પાર્લર કે દુકાનોમાં વેચાણ કે તેના સંગ્રહ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડ્રગ્સ સામેની મુહિમમાં સરકારે વધુ એક કડક પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગોગો પેપરનો મામલો સામે આવ્યો હતો. જેથી તેના પર પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો.












