ગાંધીનગરમાં ટાઈફોઈડના વધી રહેલા કેસોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં છે. તે ઉપરાંત મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર રહ્યાં છે. ગાંધીનગરમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ટાઈફોડઈના કેસો અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
રોગ નિયંત્રણ માટે પગલાં લેવા સૂચના આપી
આ બેઠકમાં પીવાના પાણીના સેમ્પલ રોજ લઈ યોગ્યતા તપાસવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત રોજ પાણીની યોગ્યતા તપાસીને પાણી વિતરણ કરવા સૂચન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં દર્દીઓની સારવાર અને રોગ નિયંત્રણ માટે પગલાં લેવા સૂચના આપી છે. ટાઈફોઈડ નાબૂદી માટે પગલાં વધુ સઘન બનાવવા નિર્દેષ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાઈને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો હોવાની વિગતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.













