રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા માટે રીલ બનાવવી હોમગાર્ડ જવાનને ભારે પડી છે. પોલીસની ગાડીમાં યુવતી દ્વારા બનાવવામાં આવેલી રીલ વાયરલ થયા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા હોમગાર્ડ જવાન દશરથ રાવળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર બિંદિયા સોમપુરા નામની યુવતીની એક રીલ સામે આવી.


પોલીસની ગાડીમાં યુવતીએ બનાવી હતી રીલ

આ રીલ પોલીસની સત્તાવાર ગાડીમાં બનાવવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે: ગત 3 ફેબ્રુઆરીના રોજ આ રીલ બનાવવા માટે સરકારી વાહનનો ઉપયોગ થયો હતો. રીલ બનાવનાર યુવતી બિંદિયા સોમપુરા એ હોમગાર્ડ દશરથ રાવળની સબંધી હોવાનું બહાર આવ્યું છે. દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મૂકવા ગયા હતા અને તે દરમિયાન જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર આ વાહનનો ઉપયોગ કરી રીલ શૂટ કરવામાં આવી હતી.

બિંદિયા સોમપુરા નામની યુવતીએ બનાવી હતી રીલ

સરકારી મિલકત અને પોલીસના વાહનનો આ પ્રકારે અંગત કામ અને મનોરંજન માટે ઉપયોગ થતા વિભાગની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. આ મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા જ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ દશરથ રાવળને ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના વળગણ અને સત્તાના દુરુપયોગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: