વડાપ્રધાન મોદીએ ગત 11 જાન્યુઆરીએ ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-2નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ રૂટ પરની મેટ્રો સેવા 16મી જાન્યુઆરીના રોજ શરૂ થશે. જે અંગેની વધુ વિગતો મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશ દ્વારા 16મી જાન્યુઆરીથી ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મહાત્મા મંદિર રૂટની લંબાઈ 7.8 કિ.મી છે.
મેટ્રો ટ્રેનના રૂટને ઓળખવા માટે હવે અલગ અલગ કલર કોડ અપાયા છે. નવા શેડ્યુલ્ડ મુજબ વસ્ત્રાલથી થલતેજ સુધીના કોરિડોરને બ્લુ કલર, જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોરને રેડ કલરથી દર્શાવાયો છે. આ ઉપરાંત મોટેરાથી સચિવાલય સુધીના રૂટને યલો લાઈન અને જીએનએલયુથી ગિફ્ટ સિટીના રૂટને વાયોલેટ કલર કોડ ફાળવાયો છે. મેટ્રો ફેઝ-2ના સચિવાલય–મહાત્મા મંદિર રૂટની લંબાઈ 7.8 કિ.મી છે. આ રૂટમાં સાત સ્ટેશન સામેલ કરાયા છે. જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10 અને સચિવાલયનો સમાવેશ થાય છે.મેટ્રો ફેઝ-2 અંતર્ગત કુલ 28.2 કિમીનો રૂટ અને 22 સ્ટેશન તૈયાર કરાયા છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે પાંચ હજાર કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયો છે.













