રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ દેશની પ્રથમ સહકારી કેબ સેવા ભારત ટેક્સીના લોન્ચિંગને ઐતિહાસિક ગણાવતા હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતશાહના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી કેબ સેવામાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ હતું, પરંતુ 'ભારત ટેક્સી' એ સહકારી ધોરણે કાર્ય કરતી દેશની પ્રથમ પહેલ છે. આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવરોનું શોષણ અટકશે.
મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું
મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું કે,ખાનગી એપ્લિકેશન્સમાં ડ્રાઈવરોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો પડતો હોય છે, જ્યારે અહીં સહકારી માળખાને કારણે ડ્રાઈવરોના હિતોનું રક્ષણ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.આ દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ્ડ રાઈડ હેલીંગ પ્લેટફોર્મ છે. આ સેવા માત્ર ડ્રાઈવરો માટે જ નહીં પણ સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સહકારી મોડેલ હોવાથી ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ કે અતિશય ભાડું વસૂલવામાં આવશે નહીં.ટેકનોલોજીના માધ્યમથી મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.













