સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને સાયબર સિક્યોર રાખવા અને વિવિધ સાયબર ગુનાઓના ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે આ બેઠકનું આયોજન કરાયું હતું.
સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ
"ઓપરેશન મ્યૂલ હન્ટ" અંતર્ગત ઇન્ટર કો-ઓર્ડિનેશન વધુ મજબૂત કરવા વિડિઓ કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડાઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ "ઓપરેશન મ્યૂલ હન્ટ" ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવે.













