માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા.21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તા.21 ડિસેમ્બરના રોજ બપોરે 2.30 કલાકથી રાજ્યસ્તરીય ધ્યાન કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરના દિક્ષાંત સમારોહનું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આધ્યાત્મિક અને માનસિક રીતે જાગૃત બનાવશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત તેમજ ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિત રહેશે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કામગીરી કરી રહ્યું છે.યોગ અને ધ્યાનને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.આ કાર્યક્રમ એ જ દિશામાં એક મોટી પહેલ છે. જે ગુજરાતને વધુ આધ્યાત્મિક અને માનસિક રીતે જાગૃત બનાવશે.













