ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. સત્તારૂઢ ભાજપના ધારાસભ્યોએ લઘુમતી વિસ્તારોમાં મિલકત પચાવી પાડવાના આક્ષેપો કર્યા હતા, જ્યારે વિપક્ષી નેતાઓએ સરકારની નિયત પર સવાલો ઉઠાવ્યા હતા. તીખી ચર્ચા બાદ અશાત સુધારા બિલ પસાર કરાયું હતું. અશાંત વિસ્તાર હવે નિર્દિષ્ટ વિસ્તારથી ઓળખાશે. કાયદામાં આ સુધારો કરાયો હતો


ભાજપના ગંભીર આક્ષેપો

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરની સ્થિતિ રજૂ કરતા જણાવ્યું કે, "જમાલપુરની 24 પોળોમાં હવે એક પણ હિન્દુ પરિવાર બચ્યો નથી, ત્યાં પ્રાચીન મંદિરોને અન્ય શિફ્ટ કરવાની નોબત આવી છે." તેમણે આક્ષેપ કર્યો કે મંદિરો પર ફ્લેટ બનાવી દેવાયા છે. સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલે પણ કહ્યું કે, "500 મુસ્લિમ વસ્તી વચ્ચે એક હિન્દુ ઘર સુરક્ષિત નથી." દરમિયાન, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જુહાપુરામાં 2.81 લાખ સ્ક્વેર મીટર જમીન પર દબાણ મુદ્દે સરકારને ઘેરી હતી અને AMC દ્વારા અશાંત ધારા હેઠળના પ્લોટની હરાજી સામે બળાપો કાઢ્યો હતો.

વિપક્ષનો વળતો પ્રહાર

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારની નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, "જો રાજ્યમાં શાંતિ હોય તો 744 નવા વિસ્તારોને અશાંત ધારામાં કેમ સમાવાયા? 30 વર્ષના શાસન પછી પણ હિજરતનો મુદ્દો કેમ છે?" તેમણે વધુમાં જણાવ્યું કે મિલકતો બંને પક્ષોની સહમતિથી વેચાઈ છે અને ભાજપ માત્ર મતોની ચિંતામાં બૂમો પાડે છે. ગૃહમાં પાલડીને 'પાકિસ્તાન' કહેવાતા નિવેદન સામે ખેડાવાલાએ ઉગ્ર વિરોધ નોંધાવી તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.


આ પણ વાંચો---   Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત

  • Follow us on: