ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એસટી બસના મુસાફરોએ મુસાફરી દરમિયાન ભૂખ્યા રહેવું નહીં પડે અથવા હાઈવે પરની હોટલોના ભોજન પર નિર્ભર રહેવું નહીં પડે. નિગમ દ્વારા ટૂંક સમયમાં ‘On Demand Packed Food’ સેવા શરૂ કરવામાં આવી રહી છે.


મોબાઇલ એપથી ઓર્ડર અને સીટ પર ડિલિવરી

‘On Demand Packed Food’ સેવા અંતર્ગત મુસાફરો ટિકિટ બુકિંગ સમયે જ અથવા મુસાફરી દરમિયાન GSRTC ની મોબાઇલ એપ કે OPRS (Online Passenger Reservation System) દ્વારા પોતાનું મનપસંદ ફૂડ પેકેટ બુક કરાવી શકશે. જોકે, આ માટે મુસાફરોએ મુસાફરી શરૂ થવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા ઓર્ડર આપવો ફરજિયાત રહેશે.

પ્રાયોગિક ધોરણે શરૂઆત

શરૂઆતમાં આ '‘On Demand Packed Food’ સેવા અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય રૂટ અને મહત્વના બસ સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે (Pilot Project) શરૂ કરવામાં આવશે. સફળતા મળ્યા બાદ તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે નિગમ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

ગુણવત્તા અને સ્વચ્છતા પર ભાર

GSRTC ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને પિરસવામાં આવતું ભોજન ઉચ્ચ ગુણવત્તાયુક્ત, હાઈજેનિક અને તાજું હશે. બસ સ્ટેશનો પર ખાસ ફૂડ પેકેટ કાઉન્ટર્સ ઊભા કરવામાં આવશે, જ્યાંથી મુસાફરોને તેમના ઓર્ડર મુજબનું પેકેજ્ડ ફૂડ મળી રહેશે. આ સુવિધાથી ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા સિનિયર સિટિઝન્સ અને બાળકો સાથે પ્રવાસ કરતા પરિવારોને મોટી રાહત મળશે. ખાનગી ટ્રાવેલ્સની સ્પર્ધામાં ટકી રહેવા અને સરકારી પરિવહન સેવાને વધુ આધુનિક બનાવવા માટે આ એક મહત્વનું પગલું માનવામાં આવે છે.


આ પણ વાંચો - Banaskantha News: કાંકરેજના શિહોરીમાં આંતરરાજ્ય સાયબર ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ, 19 લાખ રૂપિયા સાથે એક ઝડપાયો


  • Follow us on: