વર્તમાન સમયમાં રાજ્યમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓ વચ્ચે બનાસકાંઠાની શિહોરી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના શિહોરીમાં ચાલતા એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી 19 લાખ રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી છે.


છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

આ સાયબર માફિયાઓ અન્ય રાજ્યોના ભોળા લોકોને વિવિધ પ્રકારની લાલચો આપી ફસાવતા હતા. લોકો પાસેથી વિશ્વાસ કેળવીને નાણાં પડાવ્યા બાદ, આ રકમ પાટણ અને બનાસકાંઠાના બે શખ્સોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ રીતે આરોપીઓ છેતરપિંડીના પૈસા સગેવગે કરવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવી રહ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

શિહોરી પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરતા આ કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં બાલસીંગ વાઘસીંગ ભટેશરીયા (રહે. શિહોરી, કાંકરેજ) અને કેતન પ્રવીણભાઈ દરજી (રહે. પાટણ)નો સમાવેશ થાય છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ પૈકીના એક શખ્સની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી તથા છેતરપિંડી દ્વારા મેળવેલી કુલ રૂપિયા 19 લાખથી વધુની રકમ રિકવર કરી છે.

તપાસનો ધમધમાટ

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે મોટા સાયબર માફિયાઓ સાથે જોડાયેલા છે. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. શિહોરી પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad News: BU પરમિશન મામલે AMCનું શાળાઓ પર સીલિંગ, 21મીએ લેવામાં આવનારી TET પરીક્ષા પર સંકટ


  • Follow us on: