ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જાહેર રસ્તાઓ અને સરકારી જમીનો પર થયેલા ધાર્મિક દબાણોને દૂર કરવા માટેની કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં રજૂ કરાયેલા ગૃહ વિભાગના તાજેતરના રિપોર્ટ અનુસાર, છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં કુલ 48 જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન સરકારે ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તે માટે ધાર્મિક આગેવાનો સાથે 97 જેટલી બેઠકો યોજી હતી. કાયદાકીય પ્રક્રિયાના ચુસ્ત પાલન સાથે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે 468 જેટલા અન્ય ધાર્મિક સ્થળોને પણ નોટિસ પાઠવવામાં આવી છે, જેના પર આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે.
કાયદાકીય પ્રક્રિયા બાદ જ કાર્યવાહી
બીજી તરફ, સરકારે માનવીય અને વ્યવહારુ અભિગમ અપનાવતા 38 જેટલા ધાર્મિક સ્થળોને યોગ્ય જગ્યાએ રિલોકેટ (પુનઃસ્થાપિત) પણ કર્યા છે. આ ઉપરાંત, નિયમોને આધીન હોય તેવા 30થી વધુ ધાર્મિક સ્થળોને રેગ્યુલરાઇઝ કરીને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સરકારે ખાતરી આપી છે કે તમામ કાર્યવાહી કાયદાકીય મર્યાદામાં રહીને કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે આ મામલે સરકારના રિપોર્ટને ધ્યાને લઈ હવે વધુ સુનાવણી આગામી માર્ચ મહિનામાં નિયત કરી છે.













