મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ 32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32 જી અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે.
કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા
ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વખતો વખત આવી ખરીદ કિંમત ભરપાઈ કરવાની છુટ આપીને સમય મર્યાદા લંબાવવાના નિર્ણયો કરેલા છે.













