વડાપ્રધાન મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો ૨૨મો હપ્તો રિલીઝ કરીને દેશના દેશના ૯.૩૨ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૧૮,૬૪૦ કરોડથી વધુની સહાય જમા કરી છે. જે અંતર્ગત ગુજરાતના ૪૯.૫૯ લાખ ધરતીપુત્રોને પણ રૂ. ૧,૦૨૮ કરોડથી વધુની સહાય પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૨માં હપ્તા હેઠળ મળી છે.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતલક્ષી શાસનનો મંત્ર દોહરાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ખેડૂતોની સમસ્યાઓને સંવેદના સાથે વાચા આપી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નર્મદા કેનાલના નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડીને ખેતીને નવું જીવન આપ્યું છે. પાણીના સુયોજિત આયોજન દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે.અગાઉ ખેડૂતો રાત્રે વીજળી મળવાને કારણે મુશ્કેલી અનુભવતા હતા, પરંતુ આજે ગુજરાતમાં ૨૪ કલાક અને ૩૬૫ દિવસ વીજળી ઉપલબ્ધ છે.લગભગ ૯૬ થી ૯૮% ખેડૂતોને હવે દિવસે વીજળી પૂરી પાડવામાં આવે છે.

રોગો પાછળ રાસાયણિક ખેતી એક મોટું કારણ

મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે,રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે, જેનો ઉપયોગ માત્ર જળ સંચય અને પાણીને જમીનમાં ઉતારવાના કામો માટે કરવાનો રહેશે. આનાથી ભવિષ્યમાં ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો નહીં પડે.રાસાયણિક ખાતરો અને દવાઓના વધતા ઉપયોગ સામે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, નાની ઉંમરે જોવા મળતા કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવા રોગો પાછળ રાસાયણિક ખેતી એક મોટું કારણ હોઈ શકે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પોતે ગામેગામ જઈને ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા અને કાર્બનનું પ્રમાણ જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.


આ પણ વાંચોઃ Vadodara News: કેન્દ્રીય વિદ્યાલયને ધમકી આપનારનો ભેદ ઉકેલાયો, સાયબર ક્રાઈમને મળી મહત્વની કડી


  • Follow us on: